મોરબી વીજ થાંભલા વિવાદ : MRCમાં જોડાવાની સરકારી નોટિસ મળતા સેંકડો ખેડૂતો કલેક્ટર કચેરીએ એકઠા થયા, આંદોલનકારીઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
મોરબીના જેતપર ગામમાં ખેતરોમાં વીજ થાંભલા નાખવાના વિરોધમાં ખેડૂતો ચાર મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે સરકારે ખેડૂતોને એમઆરસી (માર્કેટ રેટ કમિટી)માં જોડાવા માટેની નોટિસ આપતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
શુક્રવારે મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા સેવા સદન પર એકત્ર થયા હતા અને વિરોધ કર્યો હતો.
બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ આંબલિયાના જણાવ્યા પ્રમાણે, જમીનનું બજાર મૂલ્ય નક્કી કરવા માટે વીજ કંપની, સરકાર અને ખેડૂતના પ્રતિનિધિઓ તરફથી વૅલ્યૂઅરને સમાવીને એમઆરસી રચવામાં આવે છે.
બીજી તરફ, ખેડૂતોનું કહેવું છે કે, તેમને જમીનના વળતર અંગે સરકારનો પરિપત્ર જ સ્વીકાર્ય નથી, ત્યારે એમઆરસીમાં સામેલ થવાનો સવાલ નથી.
મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બીબીસી સહયોગી રાજેશ આંબલિયાને જણાવ્યું હતું કે, સરકારના પરિપત્ર મુજબ એમઆરસીમાં જોડાવા માટે ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. જો ખેડૂતો આજે હાજર નહીં હોય, તો તેમને વધુ એક વખત તક આપવામાં આવશે. આજે પાંચ તાલુકાના ચાર હજારથી વધુ ખેડૂતોને હાજર રહેવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે.
હાલમાં મોટા ભાગના ખેડૂતો એમઆરસીમાં ન જોડાવા માટે પોતાની રજૂઆત લેખિતમાં આપી રહ્યા છે. ખેડૂતોએ એમઆરસીના વિરોધમાં દિવાળી પછી મહાપંચાયત યોજવાની પણ તૈયારી કરી લીધી છે.
MRC પર મોરબીના કલેક્ટરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya
મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે "સરકારના 4 જુલાઈના પરિપત્રથી એમઆરસીની રચના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 109 ખેડૂતોનું વૅલ્યૂએશન પૂર્ણ કરવામાં આવ્યું છે. 44 ખેડૂતોને જે મળવાપાત્ર રકમ છે, તે તેમના ખાતામાં જમા થઈ ગઈ છે. પરંતુ હજુ ઘણાં કારણોથી ખેડૂતો એમઆરસીમાં જોડાયા નથી, તેમને તક આપવા માટે અને તેઓ એમઆરસીમાં આવી શકે અને પ્રતિનિધિ નિયુક્ત કરી શકે તથા પોતાના વૅલ્યૂઅર નિયુક્ત કરી શકે તે માટે અમે ખેડૂતોને બોલાવ્યા છે."
તેમણે કહ્યું કે "આજે અમે એમ્પેનલ્ડ વૅલ્યૂઅર (સરકારી માન્ય હોય અને સૂચિમાં સમાવેશ હોય તેવા વૅલ્યૂઅર)ને પણ સાથે રાખ્યા છે. જે ખેડૂતો આવ્યા છે, તેઓ પોતાના વૅલ્યૂઅર પણ આજે જ નક્કી કરી શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કલેક્ટરે જણાવ્યું કે, "આજે માત્ર વૅલ્યૂઅર નક્કી કરવાના છે, રેટ નક્કી કરવાના નથી. વૅલ્યૂઅર નક્કી થાય ત્યાર પછી પરિપત્રની જોગવાઈ મુજબ 21 દિવસમાં ખેતર પર જઈને ખેડૂત સાથે બેસીને વૅલ્યૂઅર કામગીરી કરશે. કંપનીના વૅલ્યૂઅર અને સરકારના વૅલ્યૂઅર પણ સાથે-સાથે કાર્યવાહી કરશે અને 21 દિવસ પછી અમને બંધ કવરમાં ભાવ આપવામાં આવશે."

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya
તેમણે કહ્યું કે, "આજે કોઈ કારણથી ખેડૂત આવી શક્યા ન હોય તો તેમને પણ પૂરતા સમય સાથે બીજી તક આપવાના છીએ. થોડા સમયમાં બીજી વખત પણ ખેડૂતોને બોલાવવામાં આવશે."
"હાલમાં પાંચ તાલુકામાં પત્રો લખવામાં આવ્યાં છે જેનું સંકલન કરીએ છીએ. સાંજે કેટલા ખેડૂતો હાજર થયા છે તેની ગણતરી કરવામાં આવશે. દર શુક્રવારે ત્રણ વાગ્યે એમઆરસી ગોઠવવામાં આવે છે, જેમાં દરેક વખતે ખેડૂત વીજલાઇનના અમારા પ્રતિનિધિ બેસીને વૅલ્યૂએશન કરતા હોય છે. પાંચેય કમિટિ રૂમમાં વૅલ્યૂઅર પણ હાજર રાખ્યા છે."
કલેક્ટરે જણાવ્યું કે "સરકારનો પરિપત્ર તમામ ખેડૂતોની માંગણીઓના આધારે જ તૈયાર કરાયો છે. તેમાં ખેડૂતોની બધી માંગણીઓ સંતોષાઈ છે. જેમ કે એમઆરસી સમિતિની રચના કરવી, ખેડૂતોનું પ્રતિનિધિત્વ, યોગ્ય અને વાજબી ભાવ મળવા વગેરે માંગણીઓ સંતોષાઈ છે."
ખેડૂતો મહાપંચાયત યોજશે

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya
દરમિયાન જમીનના વળતરના મામલે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે.
ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ બીબીસી સહયોગી રાજેશ આંબલિયાને જણાવ્યું કે "અમારી 24 મુદ્દાની માંગણી મામલે ચાર મહિનાથી આંદોલન ચાલુ છે. હવે અમે તમામ સમાજ પાસે જઈશું અને અમારા આંદોલનને ટેકો આપો છો કે નહીં તે મામલે લખાણ લઈશું."
"અમને નોટિસમાં ચાર નંબરના પૉઇન્ટમાં જણાવ્યું છે કે, ખેડૂત કે ખેડૂતના પ્રતિનિધિ હાજર નહીં રહે તો અમે અમારી રીતે વૅલ્યૂઅર નક્કી કરીને એમઆરસી નક્કી કરવામાં આવશે. આ મામલે અમે કલેક્ટર સાથે ચર્ચા કરવાના છીએ."
નિકેત પંચાસરા નામના એક ખેડૂતે બીબીસી સહયોગી રાજેશ આંબલિયાને જણાવ્યું કે "કલેક્ટરની નોટિસમાં ચોથા મુદ્દામાં લખેલું છે કે, તમારા પ્રતિનિધિ કે અધિકૃત વ્યક્તિ હાજર નહીં રહે તો તમે કે તે ખેડૂત વૅલ્યૂઅર નિયુક્ત કરવા માંગતા નથી અને એમઆરસીમાં ભાગ લેવામાં માંગતા નથી, એવું માનવામાં આવશે. અમે કલેક્ટરને કહેવા માગીએ છીએ કે અમને સરકારનો પરિપત્ર જ માન્ય નથી, ત્યારે એમઆરસીમાં ભાગ લેવાનો સવાલ નથી."
જેતપરનું ખેડૂતોનું આ આંદોલન શા માટે ચાલી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કચ્છના ખાવડામાં સૂર્ય પ્રકાશ અને પવનની મદદથી વીજળીનું ઉત્પાદન કરવા માટે હાઇબ્રિડ રિન્યૂએબલ ઍનર્જી પાર્ક તૈયાર થઈ રહ્યો છે. જેના માટે ખાવડાથી મોરબી જિલ્લાના હળવદ સુધી વહન કરવા 300 કિલોમીટર લાંબી વીજલાઇન નંખાઈ રહી છે.
સરકાર અને ખાનગી કંપનીના આ સંયુક્ત ઉપક્રમ માટે થાંભલા નંખાઈ રહ્યા છે. મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો અદાણી ગ્રૂપની 'હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ' નામની કંપની દ્વારા તેમની જમીનમાં વીજળીના વહન માટેની લાઇનના થાંભલા ઊભા કરવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે.
ટ્રાન્સમિશન કંપની થાંભલા ઊભા કરવા માટે થાંભલા દીઠ ખેડૂતોની આશરે 492 ચોરસ મીટર જમીન વાપરી રહી છે (4037 ચોરસ મીટર=1 એકર). તે જ રીતે આ થાંભલા પર લટકાવવામાં આવનાર તાર ખેડૂતોની જમીન ઉપર આશરે 67 મીટર એટલે કે આશરે 220 ફૂટ પહોળો પટ્ટો રચશે.
જુલાઈ મહિનાની શરૂઆતમાં સરકારે વળતરપેટે જંત્રીના બમણા ભાવ ચૂકવવાની જાહેરાત કરી હતી. જેની સામે ખેડૂતોએ એક થઇને આંદોલન શરૂ કર્યું હતું.
ખેડૂતએ વિરોધ કરતાં કહ્યું હતું કે વળતર માટે જંત્રીના બમણા જ કેમ? બજારભાવના આધારે વળતર કેમ નહીં? તે પછી સરકાર ડઘાઈ ગઈ હતી. આંદોલનની ગંભીરતાને જોઈને સરકારે ચાર જુલાઈએ એક પરિપત્ર જાહેર કર્યો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે હવે જમીનના બજારકિંમતના બમણા ભાવ ચૂકવવામાં આવશે. રાજ્યના કૃષીમંત્રી જિતુભાઈ વાઘાણીએ તેને 'ખેડૂતો માટેનો હિતલક્ષી નિર્ણય' ગણાવ્યો હતો.
જિતુ વાઘાણીએ તે વખતે જાહેરાત કરતાં કહ્યું હતું કે "અત્યાર સુધી ખેડૂતોને જંત્રીના બમણા ભાવ ચૂકવવામાં આવતા હતા. હવે જમીનના માર્કેટ રેટ (બજારકિંમત)ના બમણા ભાવ ચૂકવવામાં આવશે. આ ખેડૂત હિતલક્ષી નિર્ણય છે."
"અત્યાર સુધી વીજપાયાના વાસ્તવિક માપ અનુસાર જ વળતર મળતું હતું. હવે તેની આજુબાજુ વધારાનું એક મીટર ગણવામાં આવશે અને એ પ્રમાણે વળતર આપવામાં આવશે."
જમીનની બજારકિંમત નક્કી કરવા માર્કેટ રેટ કમિટી (એમઆરસી) બનાવવાની જાહેરાત પણ કરાઈ હતી.
સરકારી જાહેરાત પ્રમાણે, જમીનનું વૅલ્યૂએશન (મૂલ્યાંકન) પણ ખેડૂતના વૅલ્યૂઅર તરફથી, વીજકંપનીના વૅલ્યૂઅર તરફથી અને કલેક્ટર તરફથી થશે તથા ત્યારબાદ ત્રણેય વચ્ચે સામંજસ્ય બેસાડીને આ નિર્ણય કરવામાં આવશે.
આ સિવાય માર્કેટ રેટ કમિટી (એમઆરસી)માં જિલ્લા કલેક્ટર અધ્યક્ષસ્થાને રહેશે. કમિટીમાં ખેડૂતો તરફથી એક પ્રતિનિધિ તથા વીજકંપની તરફથી એક પ્રતિનિધિ રહેશે.
આ ઉપરાંત, જો કલેક્ટરને જરૂર જણાય તો અન્ય બે પ્રતિનિધિઓની નિમણૂક કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ખેડૂતોને એકસાથે જ બધું વળતર મળી જશે, હપ્તામાં ચૂકવણી નહીં થાય.
જોકે, આંદોલન કરી રહેલા ખેડૂતોએ તેમની માગ સાથે આંદોલન યથાવત્ રાખ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























